AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શુક્રવાર, 26 જુલાઈ, 2013

ફક્ત સાહેબને કારણે

Share & Comment


મારું નામ સંતોષ તુકારામ ભિવંદે. હું ધુરુવાડીમાં રહેતો હતો. ૧૯૮૯માં જ્યારે મારા ભાઈનો એક્સિડંટ થયો ત્યારે પહેલીવાર મારે બાપૂને મળવાનું થયું. મારા માતા,પિતા અને મારી બહેન બાપૂ પાસે ટ્રીટમેન્ટ લેતા હતા. મારા પછી બે બેન અને એક નાનો ભાઈ. બાઇક પર શિર્ડી જતી વખતે વાડીવરે ગામ નજીક મારા ભાઇનો એક્સિડંટ થયો. આ એક્સિડંટમાં તે મૃત્યુ પામ્યો.
આ સમયે સાહેબ ૠગવેદ બિલ્ડીંગમાં રહેતા હતા. બિલ્ડીંગથી ઘરે જતી વખતે તેમણે બોર્ડ જોયું અને તરત જ ઘરે આવ્યા. અમારા ઘરની પરિસ્થિતી જોતાંજ તેઓ પોતાના ઘરે ન જતાં આખી રાત અમારે ત્યાં જ રહ્યાં. અમને આધાર આપવા તેઓ સવાર સુધી અમારી સાથે જ હતાં. મારા પિતાને ફિટની બિમારી હતી. ફિટ આવતાં જ તે પડતાં. તમના દવાદારું, તમની ટ્રીટમેન્ટ બધું બાપૂએ જ કર્યું. ભાઇના એક્સિડંટના કારણે મારે વારંવાર નાશિક જવું પડતું. આ આવજાવના કારણે હું માંદો પડ્યો. ત્યારે મારી મા મને સાહેબના ઘરે લઇ ગઇ. સાહેબ ત્યારે ઘરે જ હતા. તેમણે દવા વગેરે આપી અને પ્રેમથી મારી પૂછપરછ કરી.
તે સમયે હું મારા ભાઈ (ફોઇનો છોકરો)ની કંપનીમાં-પ્રેસમાં નોકરી કરતો હતો. ત્યારે સાહેબે મને પ્રેસ ચાલુ કરવા પૈસા પણ આપ્યા હતા, પણ સાહેબ સિવાય બીજા કોઇએ મદદ ન કરી. છેવટે સાહેબે કહ્યું, ‘જવા દે સંતોષ, તુ મારી સાથે રહે.’ મારા પિતાને પણ કહ્યું, ‘આજથી તમારો છોકરો મારો છોકરો છે’. બાપૂના આ શબ્દે મારા પિતાને ઘણી ધરપત આપી કારણકે મારો ભાઇ ભણેલો હતો પણ હું ખાસ ભણેલો નહતો. એટલે મારા પિતાને મારી ચિંતા રહેતી.
ત્યારથી સાહેબ કે વહિની (ભાભી) એટલે નંદામાં જે કંઇ કામ કહે તે હું કરતો. સાહેબના છોકરાઓને સ્કૂલે મૂકવા જવું, તેમને લઇ આવવા વગેરે. સાહેબે મારા માટે આટલું કર્યું છે એટલે નિ:સ્વાર્થપણે તેમનો પ્રત્યેક બોલ પાળવો,  આ ભાવનાથી શરૂઆત થઇ. ત્યારપછી સાહેબે મને તેમના ક્લિનિકમાં રાખ્યો. ત્યાં મને દવા વિશે, દવાની ગોળીઓ વિશે શિખવાડ્યું. વાકડે ચાલીમાં સાહેબે આયુર્વેદિક દવાની દુકાન ખોલી હતી, આખી દુકાન હું સંભાળતો. આ બધી ઘટનાઓ ૧૯૮૯ પછીના એક-બે વર્ષમાંની જ.
આ જ દિવસોમાં મેં સાહેબને કહ્યું કે હું મસાજ, માલીશ બધું જ કરું છું. શરૂ શરૂમાં તેમણે ધ્યાન ન આપ્યું, પણ એક દિવસ તેમણે મને માલીશ કરવા કહ્યું. મેં તેમને માલીશ કર્યું, સાહેબ ખુશ થઇ ગયા. એ પછી તેમણે મને પેશંટને માલીશ કેવી રીતે કરવાનું, પંચકર્મમાં માલીશ કેવી રીતે કરાય, તે શીખવાડવાની શરૂઆત કરી. દોઢ-બે વાગે હું જમીને આવું કે સાડા-ત્રણ ચાર વાગ્યા સુધી અલગ અલગ માલીશ કયા અને કોને કયું માલિશ કરાય તે શીખવાડતા.ક્યારેક ક્યારેક તો સાહેબના ઘરે જ રહી જાઉં, રાતે ત્યાં જ સૂઈ જાઉં  સવારે ઉઠી મારા ઘરે આવું. તે દિવસોમાં મારા સગ-સબંધીઓને ત્યાં હું જતો નહી, કારણકે સાહેબે મને  જે આપ્યું છે તે કદી ભૂલી શકું તેમ નથી.
આ પછી સાહેબે દવાનું બધું જ કામ ક્લિનિકમાં શીફ્ટ કર્યું. ક્લિનિકમાં મારો સંબંધ પેશંટો જોડે થવા લાગ્યો. પરેલનું ક્લિનિક સાફસફાઇ કરી બારા વાગતા સુધીમાં તૈયાર રાખતો. પ્રકાશાનંદ, નાયર હોસ્પિટલ, આપટેવાડી ક્લિનિક એ બધું પતાવી સાહેબ પરેલના ક્લિનિકમાં આવે કે બપોરના દોઢ વાગ્યાથી પેશંટોની શરૂઆત થતી તે છેક રાતના સાડા અગિયાર-બાર સુધી. રોજના ૧૫૦-૧૬૦ પેશન્ટને નોન સ્ટોપ સાહેબ તપાસતા. પુષ્કળ ગર્દી થતી. ચા, કૉફી કે પાઁવ માત્ર એટલું જ આ સમય દરમ્યાન તે લેતા. ક્યારેક રાતના મોડે સુધી ક્લિનિક ચાલુ રહે તો હું ત્યાં જ સૂઇ જતો. ત્યારે સાહેબ આવીને મને ઉઠાડતા અને કહેતા, ‘ચાલ ઉઠ, સંતોષ ઘરે જઇએ. સાહેબના વિદ્યાર્થી સુચિતદાદા, ડૉકટર વાડીયાર, ડૉક્ટર મહાજન અને બીજા ડૉકટર્સ સાહેબના કન્સલટેશન માટે પરેલના ક્લિનિકમાં આવતા. પરેલના ક્લિનિકમાં બધા પ્રકારના પેશન્ટ આવતા ગરીબ, મધ્યમવર્ગના અને ગાડીઓમાં આવતા પૈસાદાર સુદ્ધા. દરેકની સાથે ટ્રીટમેન્ટ એક સરખી. કોઇ ભેદભાવ નહી. એકદમ ગરીબમાં ગરીબ પણ કહે ‘મારો ડૉકટર’ અને એકદમ પૈસાદાર પણ કહે, ‘મારો ડૉકટર’. કાળેવાડી, લાલબાગ, શિવડી, પરળ વિલેજ વિસ્તારના મિલ કામદારો પણ સાહેના પેશન્ટ હતા. સાહેબ ક્યારેય કોઇપણ પેશન્ટને પૈસા ન હોય તો ના ન પાડતા. સાહેબ કહેતા, ‘પહેલા ટ્રીટમેન્ટ કરો, પૈસાનું પછી જોઇશું. જ્યારે આપવા હોય ત્યારે આપજો, પણ ટ્રીટમેન્ટ બંધ ન કરતા.’ સાહેબે પોતે કેટલા બધા પેશંટોને પૈસેટકે મદદ કરી છે. પોતાની ફી માફ કરવા ઉપરાંત પોતાના ગાંઠના પૈસા કાઢી પણ તેમણે પેશંટોને આપ્યા છે. પોતાના ગજવાના પૈસા આપી, પેશંટને મદદ કરવાની જાણે તેમને ટેવ જ હતી. તેમને માટે પૈસો મહત્વનો નહતો. સાહેબે કદી પૈસા સામે નથી જોયું, તેવી જ રીતે તેમના પિતાજી કે જેઓ પણ એક ડૉકટર હતા, તેમણે પણ પૈસા સામે કદી નથી જોયું. તેમના પિતા પણ પ્રેક્ટિસ કરતા હતા અને તેમનું એક સ્વપનું હતું કે મારા છોકરાએ પણ ડૉકટર બનવું જોઇએ. સાહેબે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરી.
અમૂક-અમૂક પેશંટ કયારેક ક્લિનિકમાં ન’તા આવી શકતા ત્યારે અમે રાતના તેમના ઘરે જતા. ડૉ. પુરંદરે, સુમતી પુરંદરે, શ્રીકાંત પુરંદરે, વિભાતાઇ તેમના પણ ઘરે અમે જતા.ગમે તેવો ગરીબ પેશંટ હોય, તેના ઘરે પણ ઝૂપડપટ્ટીમાં પણ અમે જતા.
આપણા પરેલ વિલેજની વાકડેચાલી સામે એક ઝૂપડું હતું. એમ કહેવાતું કે એમના આવા ઘરે કોઇ ન જાય. આવી જગ્યાએ પણ સાહેબ જતા અને મને લઇ જતા. પેશંટને તપાસવા ગટર પરથી થઇને, તેને પાર કરીને પણ અમે જતા. પેશંટને તપાસવા, મદદ કરવા આવી જ્ગ્યાનો પણ સાહેબને કંઇ ફરક પડતો નહતો.
મારું પોતાનું કશુ ન હોવા છતાં મને આટલો નજીક કર્યો, આટલો મોટો કર્યો. એક દિવસ મેં સાહેબને કહ્યું, હું વ્યાયામ કરું છું, ત્યારે તેમણે મને ક્લિનિકમાં બોલાવી મારું બોડી ચેકઅપ કર્યું. કસરત કેવી રીતે કરવી જોઇએ, શું કરવું જોઇએ, તે બધું કહી તેઓ મારી પાસે  વ્યાયામ કરાવી લેતા. સ્વામી સમર્થ વ્યાયામ મંદિરની મેમ્બરશીપ પણ તેમણે મને મેળવી આપી. એ પછી હું પણ એમની સાથે વ્યાયામ કરવા જતો. પૉવર કેવી રીતે વાપરવાનો, કયા મસલ પર જોર આપવાનું, નમસ્કાર, બેઠક, બાયસેપ કેવી રીતે ફોર્મ કરવાનું, આ બધું તેમણે મને શીખવાડ્યું. શ્વાસોચ્છવાસ, ડાએટ, સ્ક્વૉટીંગ કઇ રેન્જમાં જોઇએ આ બધાની માહિતી તેમણે મને આપી. આ બધાના કારણે મારામાં ખૂબ ફરક પડ્યો. અત્યારે મારી ઊંમર ૪૯ વર્ષની છે પણ લોકોને ૩૫-૪૦ની લાગે છે. આ ઊંમરે પણ હું ભારે વ્યાયામ કરી શકું છું.
સાહેબ પાસે કોકણથી પણ પેશંટ આવતા અને રાતના જ પાછા જતા. છેક રત્નાગિરી, રાજાપૂર, ગોવાથી પણ લોકો ટ્રીટમેન્ટ માટે આવતા અને દવા લઇને પાછા જતા. મહિનો થાય કે વળી પાછા આવતા. આવા પેશંટ માટે ક્યારેક એડ્જસ્ટ પણ કરવું પડતું. અમે સાહેબને કહેતા, તેમનાથી ટ્રેન-બસ ચૂકી જવાશે વગેરે. તેમને પહેલા તપાસી, છૂટા કરવામાં આવતા. આ બધા પેશંટ મે મહિનામાં આવતા ત્યારે તેમની સાથી કરવંદા, કાજૂના બી, બાઁડં, ફણસ, આંબા વગેરે, ભલે પછી તે સારા હોય કે ન હોય, પણ માટે પ્રેમથી લાવત અને સાહેબ પણ પ્રેમથી તેને ઘરે લઇ જતા. જો કંઇ ખરાબ હોય તો, સાહેબે એમ ક્દી નથી કીધું કે આને બાજૂમાં મૂક. ઘોલવડના ચિકુ, નાશિકની દ્રાક્ષ, રત્નાગિરીથી નાળીયેર, કોકમ, કરવંદ વગેરે સિઝન પ્રમાણે પેશંટો લાવતા. 
મેડિકલ ટ્રીટમેન્ટ માટે આવતા પશંટો તેમના ઘરની સમસ્યા પણ કહેતા. જેમકે, ‘સાહેબ, તમારી સાથે જરા બે મિનિટ વાત કરું કે ! ઘરની વાત છે.’ ‘મારા છોકરાનું આમ થયું છે, મારા છોકરાનું તેમ થયું છે. મારી છોકરીનું આમ થયું છે, એનું તેમ થયું છે. શું કરું, કે શું ન કરું. આવી બધી વાતો પૂછતા. ત્યારે સાહેબ સલાહ આપતા, કે આમ કર કે આમ ન કર.  અમૂક વખતે સાહેબ એમ પણ કહેતા કે, તું પછી આવ, આપણે વાત કરીશું, તેમને માર્ગદર્શન કરતા.
પેશંટ પણ અમને કહેતા કે, સાહેબના કારણે આજે હું ઉભો છું, સાહેબના કારણે આજે હું અહિં છું. કોઇની નોકરી વગેરે માટે પણ સાહેબ માર્ગદર્શન આપતા. આમ કર, તેમ કર, કે આમ ન કર, તું અત્યારે રાજીનામું ન આપ. આવી અનેક પ્રકારની સલાહ આપતા અને લોકો તે માનતા પણ ખરા કેમકે લોકોને તેમના પર ઘણો વિશ્વાસ હતો.
સાહેબે પહેલું પ્રવચન પોતાના ઘરે કર્યું. ત્યારે અમે માત્ર ચાર-પાંચ જણ હતાં. હું, મારો ફોઇનો છોકરો, રાજુ મોરે નામના એક ભાઇ હતા, ડૉ.મહાજન, સુચિતદાદા અને ડૉ.વાડીયાર રહેતા. ત્યારપછી  કર્ણિક અને બીજા પેશંટને ઘરે બોલાવ્યા. ધીરે ધીરે બીજા ઘણા આવવા લાગ્યા. ૠગવેદનો આખો હૉલ ભરાઇ જવા લાગ્યો. સાહેબને કહ્યું હવે આપણે બીજી જગ્યા જોઇએ કેમકે ઘરમાં એકદમ ગર્દી થઇ જતી. પછી અમે સમર્થ વ્યાયામ મંદિરમાં જગ્યા જોઇ. ત્યાંના ટ્રસ્ટીઓમાં એક તો કાકા જ નીકળ્યા.પછી સમર્થમાં બાપૂનું પ્રવચન શરૂ થયું. સમર્થ પણ ધીરે ધીરે ભરાવા લાગ્યું એટલે ઍન્ટોનીયા ડિસિલ્વા સ્કૂલમાં પ્રવચન થવા લાગ્યું. ઍન્ટોનીયા ડિસિલ્વા પણ ફૂલ થઇ ગયું. એટલે બાન્દ્રામાં પ્રવચન શરૂ થયું. પરંતુ આટલા વર્ષોમાં સાહેબનો સ્વભાવ બિલકુલ બદલાયો નથી.
હવે તો પૌરસ પણ ડૉકટર થઇ ગયો છે. તેનો પણ સ્વભાવ તેવો જ છે. મેં સાહેબને કહ્યું પણ ખરું કે, ‘સાહેબ, પૌરસ પણ તમારી જેમ જ પેશંટને તપાસે છે. તે તમારી જેમ જ પેશંટને માન આપે છે. મેં પોતે જોયું છે.’ પૌરસ દાદા સાથે બેસે છે અને પેશંટ બહાર આવ્યા પછી તેમને સમજાવીને કહે છે. તેણે સાહેબનો વારસો બરાબર આગળ ચલાવ્યો છે.
૧૯૯૩ના બોમ્બ સ્ફોટ વખતે અમે સૌથી પહેલા વરલી ગયા હતા, પછી સેનાભવન આવ્યા.ત્યાં રસ્તાની સામી બાજુએ એક માણસ તેની પત્નીને મારતો મારતો લઇ જતો હતો. સાહેબ રસ્તો ક્રોસ કરી જલ્દી ત્યાં ગયા. પહેલા તો તે બાઇને તે માણસના હાથે છોડાવી. ત્યાં ઉભેલા લોકો આ જોઇ રહ્યા હતા પણ કોઇને તેને છોડાવવાની હિંમત ન કરી. સાહેબે તેને છોડાવી અને બોલ્યા, ‘તારે એને મારવી છે ને! તો એને ઘરે જઇને માર, પણ અહીં નહીં મારવાનું, રસ્તા પર કશું નહીં કરવાનું’. આમ કહી તે બાઈને છોડાવી.
સાહેબ ચિડાય ત્યારે આવી બન્યું સમજો. એકવાર એક ટ્રકવાળાએ બ્રેક મારી પોતાની મગરૂરી બતાવી, સાહેબે તે ટ્રકવાળાને બારાબરની લગાવી દીધી હતી. એક ટેક્સીવાળાને પણ એકવાર આવો જ પ્રસાદ ચાખવા મળ્યો હતો. સામેવાળાની અક્ષમ્ય ભૂલ કે કારણ વગર સાહેબ કદી ચિડાતા નહિં.
હોસ્પિટલમાં પેશંટ રહેતા. ક્યારેક ક્યારેક વૉર્ડબૉયસ તેમના તરફ ધ્યાન ન આપે. ત્યારે સાહેબ તેમની સામે માત્ર જોતા અને આવી રીતે જોતાં જ વૉર્ડબૉયસ ગભરાતા અને પછી પેશંટની બરાબર સંભાળ લેતા. આવો રૂઆબ હતો સાહેબનો. પછી તેમની પાસે જઇ તેમની પીઠે હાથ પણ ફેરવતા અને કહેતા, ‘બેટા, જો આમ નહીં કરવાનું, તે પેશંટ છે, તે આપણી પાસે કેમ આવ્યો છે? ટ્રીટમેન્ટ માટે આવ્યો છે ને! બેદરકારીપૂર્વક નહી વર્તવાનું. તેની પ્રેમથી દરકાર રાખવાની.’ તેમની ઉપર ગુસ્સે પણ થતા તેમ તેમને પ્રેમથી સમજાવતા પણ ખરા.
મારા એક મિત્રના પિતા મિલ કામદાર હતા. અચાનક તેમની છાતીએ દુખાવો ઉપડ્યો, હાર્ટ એટેક આવ્યો. રાતના બે-અઢી વાગ્યા હશે. તરત જ અમે સાહેબના ઘરે ગયા. સાહેબે તેમને તરત શ્રી નર્સિંગ હૉમમાં એડમિટ કર્યા. માત્ર એડમિટ જ નહીં, તેમને સંપૂર્ણ સાજા પણ કર્યા.
અમારા બિલ્ડીંગમાં રહેતા વિદ્યાધર જાધવ નામના એક વ્યક્તિ હતા. તેમને પણ સાંધાનો ખૂબ દુખાવો રહેતો, શરીરે સોજા આવી જતા. તેમની ટ્રીટમેન્ટ કરી તેમને પણ સાહેબે સાજા કર્યા.પેશંટ માટે સાહેબ કંઇપણ કરતા, એટલે કે સમયની પરવા ન કરતા. તેમને ગમે ત્યાં, કયારેય બોલાવો, તરત જ જતા.કદી કોઇને ના નથી પાડી. એકદમ ઝૂપડામાં પણ જતા, ગટરમાં પગ દઇને પણ જતા, ફેલટમાં પણ જતા, દરેક જગ્યાએ જતા. અહીંયા નહીં જાઉં કે ત્યાં નહીં જાઉં એવું કશું જ નહતું.
સાહેબને પૌરસ અને શાકંભરી ફલેટમાં નહતા જોઇતા. મારા સંતાન રફ એન્ડ ટફ એટલે વાડીના છોકરાની જેમ રહેવા જોઇએ, મજબૂત રહેવા જોઇએ, ક્યાંય પણ જાય તે ગભરાવા ન જોઇએ, એવું તે કહેતા અને આ માટે મારી પાસે તેમના સંતાનોને મૂકતા. કિર્તી કૉલેજની પાછળ સમુદ્ર છે, ત્યાં પૌરસને મેં તરતા શીખવાડ્યું છે. અરે, ભર વરસાદમાં હું તેને ફૂટબૉલ રમવા લઇ જતો.
એ ઉપરાંત હું તેને સમુદ્રમાં દૂર સુધી લઇ જતો, સવાર સવારમાં એને કાદવ કિચડમાં દોડાવું. સાહેબે મને કહ્યું હતું, ‘મારો છોકરો ઢીલોપોચો બીકણ ન બનવો જોઇએ, સ્ટ્રોન્ગ બનવો જોઇએ. લાગવું જોઇએ, સાહેબનો છોકરો છે. પૌરસને સાઇકલ પણ મેં જ શીખવાડી છે. મે અને ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અમને છુટ્ટી હોય એટલે સાહેબ પોતે એમના પરિવાર સાથે જ્યાં જાય ત્યાં મને પણ લઈ જાય. એક વાર અમે નાશીકના એક જંગલમાં ગયા હતા ત્યાં અમે વહિની (ભાભી)ના કાકાના બંગલામાં રહેવા ગયા હતા. ત્યાંથી અમે નાશિકના ડેમ પર ગયા હતા. ડેમ પર જતી વખતે સાહેબે સાપના દરમાં હાથ નાખી સાપના ઈંડા કેવા હોય તે બતાવ્યા. ‘આ જો સંતોષ આવા હોય સાપના ઈંડા.’ સાહેબે અમને જંગલમાં લઇ જઇ મોર પણ બાતાવ્યા. પછી એક ગુણી ભરાય એટલી ઝાડ પર ઉગેલી કેરી અમે કાઢી. અમે ઘણી બધી મઝા કરતા.  અમે વણી પણ જતા, ત્યાં સપ્તશૃંગી દેવીના દર્શને પણ સાહેબ મને લઇ જતા.
પરેલ વિલેજથી ૠગ્વેદ સુધી અમે ચાલતા જતા. કયારેક ક્યારેક બપોરે પણ અમે ચાલતા જ આવતા. સાહેબને કયારેય ઘમંડ નહતો. સાહેબ એકદમ ફ્રેન્ડલી રહેતા. કયારેક ક્યારેક જતી વખતે ચાની ટપરી દેખાય તો સાહેબ કહેતા ત્યાં કૉફી પી, મઝા કર.
બાપૂ દરેક વિષય પર બોલી શકતા. મારી સાથે વ્યાયામ પર બોલતા. શું ખાવું જોઇએ ને શું નહીં. મને મૉલિશ પણ શીખવાડતા. મૉલિશ કેવી રીતે કરવાનું, શું કરવાનું તે કહેતા. યુવાનીમાં સાહેબ દોઢ-બે કલાક વ્યાયામ કરતા. મારી દ્ર્ષ્ટીએ સાહેબ ત્યારે શીવડી રહેતા. એકવાર મેં તેમને પૂછ્યું, સાહેબ સાપ વિશે તમને કેવી રીતે ખબર? ત્યારે તેમણે કહ્યું, ‘હું ડુંગર ચઢી રત્નાગિરી જતો.એટલે કે નાનો હતો ત્યારે માઉન્ટેનરિંગ કરતા કરતા ડુંગર ચઢીને જતો. એટલે મને બધી ખબર છે.’ અમે કહેતા આ ડૉકટર મોટા સાહેબ છે, એમને કેટલું બધું ખબર છે! અમે તો વાડીમાં રહેનારા માણસો, તેમ છતાં તેમને અમારા કરતા વધારે ખબર રહેતી, ક્યાં શું ચાલે છે અને શું નહીં, ગામડામાં પણ શું ચાલે છે તે એમને ખબર હોય. તે પુષ્કળ ફર્યા છે. ઘણા ડુંગર ચાલ્યા છે, ખોળ્યા છે, એટલે તેમને બધી જ ખબર. રાજકરણમાં કયા પક્ષમાં શું થાય છે તે બધું તેમને ખબર છે. પક્ષીઓનું બ્રીડીંગ કેવી રીતે કરાય તે પણ તેમને ખબર છે. હું ડોગ બ્રીડીગ અને પક્ષીઓનું બ્રીડીંગ કરતો હતો. તેમાં પણ મારા કરતા તેમને વધુ ખબર છે. શું કરવું જોઇએ ને શું નહીં.
પરેલ વિલેજ,એલફિસ્ટન, ત્યાં તેમના કૉલેજના મિત્રો રહેતા. સાહેબ સાથે તેમના ઘરે હું પણ જતો. જ્યારે તે ત્યાંની ચાલીમાં જતા ત્યારે બિલકુલ લાગે નહીં કે આ ડૉકટરસાહેબ છે. એ બધા મિત્રો સાથે પણ એકદમ ફ્રીલી બોલવાનું, આના ઘરે જવાનું, તેના ઘરે જવાનું તે રીતે. બધાના ઘરના દરવાજા તેમના માટે કાયમ ખુલ્લા. ત્યાંના લોકો પણ તેમને અરે અનિરુદ્ધ, અરે અનિરુદ્ધ એમ બોલાવે. તેમના મિત્રોની બહેનો પણ જાણે તેમના મોટા ભાઇ આવ્યા હોય એમજ વર્તે. ત્યાંની છોકરીઓ અરે અનિરુદ્ધ, શું કહે છે? એવી રીતે વાત કરે ત્યારે મને  મનમાં ગુસ્સો આવે કે આને કંઇ ખબર પડે છે કે નહીં, આ કેટલા મોટા સાહેબ છે? પણ સાહેબનું વર્તન બધા જોડે એકદમ પ્રેમથી, કોઇપણ જાતના અહમ વગરનું રહેતું. સાહેબ જ્યારે પણ ચાલીમાં આવે ત્યારે આ બધા મારા જ ઘરના છે તેમ વર્તે. ચાલીના લોકો ઉત્સવમાં કે ગોવિંદા વખતે એકબીજાને કેવી રીતે બોલાવે, એવી રીતે તે બધા સાહેબને બોલાવે. અરે અનિરુદ્ધ, અરે અનિરુદ્ધ અહિંયા આવ તો જરા! અમારી પાસે આવ તો! એવી રીતે. સાહેબ પણ બધાને માન આપતા. માળકર નામના એક ગૃહસ્થ હતા, તેમના પિતાની પણ ટ્રીટમેન્ટ સાહેબ કરતા. તેમની ટ્રીટમેન્ટ માટે અમે તેમના ઘરે આવતા.
મારે નાશિક જવું પડતું, ત્યારે એકવાર મને લોહિની ઉલ્ટી થઇ. તેમાંથી લોહીની ગાંઠો નીચે પડી. એક બિલાડી આવી તે ચાટવા લાગી, તો તે તરફડીને મરી ગઇ. ત્યારે સાહેબ આપટેવાડી કે બીજા કોઇ ક્લિનિકમાં હતા. હું ત્યારે કસરત કરીને આવ્યો હતો. સ્વામીના મઠની પાલખી પાસે રાજુ મોરે નામના એક ભાઇ હતા. તેમણે સાહેબનો કોન્ટેક કર્યો અને કહ્યું કે સંતોષને આમ આમ થયું છે. વહિનીએ પણ સાહેબનો કોન્ટેક કર્યો. સાહેબ તરત જ ઘરે આવ્યા અને મને સુશ્રુષા હૉસ્પિટલમાં તાબડતોબ એડમિટ કર્યો. પછી તેમણે મને પોતાની દવાથી જ ટ્રીટ કર્યો.
મને બે વર્ષ પહેલા મલેરિયા જેવું થયું હતું. મલેરિયા થયો નહતો પણ મારા પ્લેટલેટ્સ બહુ ઓછા થઇ ગયા હતા. થોડી મારી પણ ભૂલ હતી. ખાવામાં બરાબર ધ્યાન રાખ્યું નહીં. શરીરમાં ધ્રુજારી આવતી. તે સાહેબને સમજાયું. સાહેબ આવ્યા, મને ચેક કર્યો. અને ઘરે કહ્યું આને આમલેટ અને બ્રેડ ખાવા આપ. તે ખાધા પછી મારામાં તાકાત આવી. તો પણ મને ડૉ. જયેશ શાહના ક્લિનિકમાં એડમિટ કર્યો. ત્યાં એડમિટ કર્યા પછી સાહેબ જયેશ શાહ જોડે મારી પૂછપરછ કરતા. ત્યાં મોકલતી વખતે મને દસ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું,‘સંતોષ આ પૈસા રાખ, તારી ટ્રીટમેન્ટ માટે’ મેં કહ્યું, ‘ના, મારી પાસે છે પૈસા’. સાહેબ બોલ્યા, ‘ભલે હોય, તો પણ રાખ,’ અને કહ્યું, ‘તુ મારો જ છે.’ મારા ડિસ્ચાર્જ વખતે કહ્યું કે, સંતોષ અને સંતોષની મિસિસને અહિં ઘરે આવવા દે અને મને લેવા માટે ગાડી પણ મોકલી. પછી મારા ખબરઅંતર પૂછ્યા. મારુ બિલ પચ્ચિસ હજારનું થયું હતું. સાહેબે મને બીજા પંદર હજાર આપ્યા. મેં કહ્યું, ‘પૈસા છે’. ત્યારે સાહેબે કહ્યું, ‘તને જરૂર ન હોય તો તારા બાળકો હેરંબ અને સમૃદ્ધિના નામ પર મૂકી દે.મને ખબર છે તારી પાસે બહુ પૈસા છે, તે પણ એમના નામ પર મૂકી દે.’
હું મસાજ કરતો હતો, પેશંટોના ઘરે જઇને મસાજ કરતો. પણ કદી પેશંટ પાસે જબરજસ્તીથી પૈસા નથી માંગ્યા. તે લોકો જ આપી દેતા. આર્થરાઇટીસ, પેરાલિસિસના પેશંટ હતા. લેડીસોના ઘુંટણ વાંકા થઇ જતા અને દુખતા. મારા ગળામાં વાઘનખ પહેરાલા જોઇ પહેલા તો લેડીસો ગભરાતી, પણ એકવાર તેમને મસાજ કર્યો કે તેઓ માલિશ માટે મારી રાહ જોતી. ઘરે પણ મેં ઘણા વર્ષોસુધી માલિશ કર્યું. સાંધા દુખતા હોય ત્યારે કેવું માલિશ કરવાનું, ક્યાં જોર આપવું જોઇએ, લેડીસોના હાડકા ક્યાં હોય, ક્યા મસલ ક્યાં હોય કે કયો મસલ વીક છે, એ બધુ સાહેબે મને શીખવ્યું. ઘુંટણનો આકાર કેવો ગોળ હોય છે, તેની પાછળ આવેલો મસલ એ શું છે, એ બધું તેમણે મને શીખવાડ્યું છે.જયારે હું પેશટને માલિશ કરતો હોઉં ત્યારે તે મારી પાસે ઉભા રહેતા. ઘણા વર્ષો સુધી  તેમણે મને શીખવાડ્યું. માલિશ કરતી વખતે શું કરવું જોઇએ અને શું ન કરવું ન જોઇએ તે સાહેબ પોતે સમજાવતા.
સાહેબે મારા જીવનનું ઘડતર કર્યું છે. એમના વીના મારું શું થયું હોત, ભગવાન જાણે. સાહેબના કારણે હું તરી ગયો. મારું આયુષ્ય તેમણે જ બનાવ્યું છે. આનો વિચાર કરું છું ત્યારે આંખમાં પાણી આવી જાય છે. મારા પિતાને આપેલું વચન સાહેબે બરાબર પાળ્યું છે. સાહેબે મને બધું જ આપ્યું છે, તેની ચૂકવણી કદી શક્ય નથી.
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com