| હરિ ૐ |
| ઉધ્દરેત્ આત્મના આત્માનમ્ |

મનુષ્યની પોતાની આ પરિસ્થિતીમાં વધારે સુધારો કરવાની ઈચ્છા જ તેના વિકાસનું કારણ છે, પરંતુ ઘણી વાર એવું થતું હોય છે કે,"પ્રયત્નાચા પાઉલવાટા અંતી નિઘાલ્યા વિગતી. (પ્રયત્નશીલતાથી માંડેલા પગલાં, પ્રગતિને બદલે વિગતી/ અધોગતિ તરફ લઈ ગયા)" કરેલા અનેક પ્રયત્નોમાં અપયશ મળે છે અને કોઈવાર તો પ્રયત્નો જ અનુચિત વસ્તુ મેળવવા માટે કરાય છે. પોતાનું જીવન શાંત, તૃપ્ત અને સમૃદ્ધ હોવું જોઈએ એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ એવું થતું માત્ર નથી અને તેથી જ જીવનમાં વારંવાર અશાંતિ, અતૃપ્તિ અને અસહાયતા અનુભવાતી રહે છે.
ઘણા સપના જોયા, ઘણા નિશ્ચયો કર્યા, પરંતુ તે અનુસાર ઉચિત પરિશ્રમ કરીને કૃતકૃત્ય બન્યો અને આનંદિત બન્યો એવું બનતું દેખાતું નથી.
જીવનનો સર્વાંગી વિકાસ સાધી શાંતી અને તૃપ્તિનો આનંદ લૂંટવા માટે દરેકને આવશ્યક છે તે, આ મહાવાક્યનો સચોટ અર્થ ધ્યાનપૂર્વક સમજીને એ પ્રમાણે આચરણ/વર્તન કરવાની.
ઉધ્દરેત્ આત્મના આત્માનમ્ |
તદ્ન સરળ ભાષામાં આનો અર્થ છે, મારો ઉદ્ધાર માત્ર હું જ કરી શકું છું. પછી તે સામાન્ય મનુષ્યના સંસારી જીવનમાંનો વિકાસનો માર્ગ હોય કે સંપૂર્ણ રીતે "હું" પણું ત્યજીને પરમેશ્વર સાથે એકરૂપ થઈ મોક્ષપ્રાપ્તિનો માર્ગ હોય, પ્રયાસ મારે જ કરવાના છે.
આપણી ભૂલ અહિંયા જ થાય છે. આપણે જ્યાં સુધી પોતાના વિકાસ માટે આજુબાજુની પરિસ્થિતી, બીજાની મદદ, ચમત્કાર કે નસીબ/પ્રારબ્ધ પર આધાર રાખીએ છીએ ત્યાં સુધી આપણને આપણો ધ્યેય પ્રાપ્ત થતો નથી, કોઇ પણ માર્ગ પર પ્રયાસ સાધવા માટે પોતાને તાકાત જાતે જ મેળવવી પડે છે. પરાવલંબી જીવન અને પુસ્તકિયું જ્ઞાન ક્યારેય કોઇ ધ્યેયની પ્રત્યક્ષ પ્રાપ્તિ આપી ન શકે. તેને માટે આવશ્યકતા છે અનુભવ લેવા માટે સિદ્ધ હોય એવા સ્વાવલંબનની. જે વ્યક્તિ સ્વાવલંબી નથી તે અર્થાત જ અપંગ છે અને તેથી જ અસમર્થ પણ છે. હેલન કેલર જેવી અનેકવિધ શારિરીક અપંગત્વવાળી વ્યક્તિ તેના સ્વાવલંબી બનવાના પ્રયાસને લીધે આખા જગતને પ્રેરણાદાયી ઠરી છે, તો શારિરીક રીતે સક્ષમ એવા આપણા માટે શું અશક્ય હોઇ શકે? તમે કહેશો કે હેલનને બધામાંથી બહાર કાઢવા એની શિક્ષિકાની આવશ્યકતા હતી ને? સાચી વાત છે પરંતુ અપંગત્વની પરિસીમા પર હોવા છતાં પરિશ્રમ કરવાની ઇચ્છા ધરાવનાર એ બાળકીને કોઇને કોઇ રૂપે પરમેશ્વરી પ્રેમ નિશ્ચિત મદદ કરવાનું જ હતું. એ જીદ્દી અપંગ બાળકી માટે જ પરમેશ્વરનો પ્રેમ શિક્ષિકારૂપે અવતીર્ણ થયો. ખરેખર તો, પરમેશ્વરી પ્રેમને ત્યાં પ્રગટ થવું જ પડ્યું.
ઉદ્ધાર એટલે નક્કી શું? પાપમાંથી મુક્તિ. પુણ્યનો અધિક સંચય, ગરિબાઇમાંથી શ્રીમંતાઇ તરફનો પ્રવાસ, અનિતીથી નિતી તરફનો પ્રવાસ કે દુર્બળતાથી સમર્થતા મેળવવા તરફનો પ્રવાસ? કહીએ તો આ બધું જ અને કહીએ તો આમાંનુ એકેય નહીં. ઉદ્ધાર એટલે પરમેશ્વરી માર્ગ અર્થાત સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલીને આનંદ પ્રાપ્ત કરવાનો અધિકાર.
માત્ર આ માર્ગમાં સત્ય એટલે નક્કી શું? અને પ્રેમ એટલે નક્કી શું? તેની ખરી જાણકારી હોવી જરૂરી છે. સત્ય અને વાસ્તવ એ બન્નેમાં ખૂબ ફરક છે. ઉદાહરણાર્થે સમજો કે મેં સત્ય જ બોલવાનું નક્કી કર્યું છે અને એક યુવાન, અસહાય છોકરીએ મારી પાસે આવીને કહ્યું કે "મારી પાછળ ગુંડા પડ્યા છે. હું તમારા ઘરમાં છૂપાઇ જાઉં છું." થોડીવારમાં પાછળ પડેલા ગુંડાઓએ આવીને મને પૂછ્યું, "તમે અમુક છોકરીને જોઇ?" મારે શું ઉત્તર આપવો જોઇએ? "હા, એ છોકરી મારા ઘરમાં જ છૂપાયેલી છે." મારો આ ઉત્તર મને સત્યાચરણી બનાવશે? મારો આ ઉત્તર વાસ્તવિક હોઇ શકે પરંતુ તેમાં સત્યનો અંશ પણ નહીં હોય. કારણકે આ ઉત્તરમાંથી ઉત્પન્ન થશે બળાત્કાર. એક નિંદનીય, અપવિત્ર અને ઘૃણાસ્પદ ઘટના. આનો અર્થ એ જ છે કે જેમાંથી પવિત્રતા ઉત્પન્ન થાય અને કાયમ રહે તે જ સત્ય. સૌથી વધારે આવશ્યકતા છે પોતાની જાત સાથે સત્ય બોલવાની અને તે જ આપણે ક્યારેય નથી કરતા. આપણે પોતાની જાત સાથે જ વધારે ને વધારે ખોટું બોલીએ છીએ. પોતાની પરિસ્થિતી માટે બીજા બધાંને જવાબદાર ઠરાવીને ખોટા બહાના આપી હું જ પોતાની બુદ્ધીને પટાવી લઉ છું અને ત્યાં જ મારી પોતાની ઉદ્ધાર કરવાની ક્ષમતા ખોઇ બેસું છું. "બહાનું કાઢવું" એ મારા સંપૂર્ણ જીવનનો નાશ કરી શકનાર ખૂબ જ વિશાળ સંહારક અસ્ત્ર છે.
જે વ્યક્તિ પોતે ક્યાં ભૂલો કરે છે, તે શોધીને તેનો હાઉ ન કરતા ભૂલો સુધારવાનો પ્રયાસ કરે તે જ ખરો યશસ્વી છે. પછી ભલે તેનું ધ્યેય ધન, કીર્તી, સત્યપ્રાપ્તિ કે પરમેશ્વર પ્રાપ્તિ કઈં પણ હોય. પરંતુ જીવન પ્રવાસમાં પ્રેમ ન હોય તો સત્ય લંગડુ થઈ જાય છે. પ્રેમ એટલે અપેક્ષા વિનાની પ્રીતી. આવો પ્રેમ એ વિશ્વની સૌથી મોટી તાકાત છે. પ્રેમની તાકાત સામે કોઇ પણ સંહારક કે ઘાતકી ત્રાસદાયી શક્તિ હંમેશા હારે જ છે.
મારો સંસાર, ગૃહસ્થાશ્રમ એટલે આ પ્રેમ કરતાં શિખવાની સૌથી મોટી અને સહેલી કાર્યશાળા છે. પરંતુ એમાંય જો આપણું થોડું સુધ્ધા અપમાન થાય કે આપણી ઇચ્છા વિરુધ્ધ કઇં કાર્ય થાય તો આપણું એ વ્યક્તિ પ્રત્યેનું પોતિકાપણું સમાપ્ત થઈ જાય છે તો પછી મારા ઘરની બહારના વ્યક્તિની શું વાત કરવી ! ત્યાં તો દરેક નાની-નાની બાબતમાં સુદ્ધા હું દ્વેષ અને શત્રુત્વનાં ડુંગર ઊભા કરું છું અને આ જ દ્વેષ આજુબાજુનાં વાતાવરણમાં ભરાયેલો હોવાને કારણે ફરી ફરી મારા દરેક શ્વાસ સાથે મારા જીવનમાં પ્રવેશતો રહે છે અને તેનાં ઝેરીલા પરિણામ હું સતત ભોગવતો જ રહું છું.
મનપૂર્વક પ્રેમ કરવાનો પ્રયત્ન કરો અને પવિત્રતાનો માર્ગ છોડો નહીં. પછી આખું વિશ્વ તમારું જ છે. કારણ આ પરમેશ્વરી રાજમાં સંપૂર્ણ રીતે લોકશાહી છે. લોકશાહીમાં જે રીતે દરેક મતદાર જ શાસક હોય, શાસન ચૂંટી આપતો હોય છે એ જ રીતે પ્રત્યેક મનુષ્ય પોતે જ પોતાનું પ્રારબ્ધ ઘડે છે. પરમેશ્વરે દરેક વ્યક્તિને સંપૂર્ણ કર્મસ્વાતંત્ર્ય આપેલું છે. માનવીય લોકશાહીમાં હોય તેનાં કરતાં અનેકઘણું વધારે વ્યક્તિસ્વાતંત્ર્ય, મતસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય મનુષ્યને પરમેશ્વરે આપેલ છે. પરંતુ માનવી લોકશાહીમાં જે રીતે- જેવા લોકો, જેવો લોકોનો મતસ્વાતંત્ર્યનો ઉપયોગ હોય એ રીતની સરકાર પ્રાપ્ત થાય તે જ પ્રમાણે જેવી વ્યક્તિ અને જેવું તે વ્યક્તિનું સત્ય અને પ્રેમ સાથેનું બંધાણ તેવું જ પ્રારબ્ધ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
આપણે લોકશાહીમાં એક તો મતદાન કરતા નથી અને કરીએ તો તેનું મૂલ્ય સમજ્યા વિના અસમંજસતાથી કરીએ છીએ અને તેના ફળ સ્વરૂપે અનુચિત વ્યક્તીના હાથમાં સત્તા જઈ શકે છે. તે જ પ્રમાણે મારા પોતાના જીવનમાં ખોટા અભિપ્રાયને લીધે અથવા મારી વિચારસરણીમાં સ્પષ્ટતા ન હોવાને લીધે મારું જીવન ત્રાસવાદી પરિસ્થિતીને આધીન થઈ જાય છે.
પ્રારબ્ધ કરતાં પુરૂષાર્થ જ હંમેશા વધુ શક્તિશાળી હોય છે ફક્ત તેને શક્તિ પ્રદાન કરનાર "સત્ય અને પ્રેમ" આ પરમેશ્વરી ગુણોને ત્યજીને હોય તો આ શક્ય નથી.
કોઈપણ લોકશાહી રાજ્યમાં જ્યારે નાગરિક એમ કહે કે,"અમે મતદાન કર્યું એટલે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ." હવે સરકારે જ મારું બધું ધ્યાન રાખવું જોઈએ તો એ રાજ્યમાં લોક્શાહી એક હાસ્યાસ્પદ સરકસ જેવી બનીને રહી જાય છે. તે જ પ્રમાણે "જીવનમાં ભગવાન મારો હશે તો મને ખાટલામાં જ બધું આપશે." એવી ભૂમિકા અથવા "નસીબ સામે મારું શું ચાલી શકે?" એવી ભૂમિકા મારું સંપૂર્ણ જીવન હાસ્યાસ્પદ કરી દે છે.
પોતાના જીવનને, બીજી ટેકા માટેની લાકડીઓ ફેંકી દઈને ખરેખર સ્વાવલંબી બનાવવું હોય તો સત્ય અને પ્રેમની સંગત પાકે પાયે પકડી રાખી આ પરમેશ્વર જ મારો એકમેવ સાચો આધાર છે આ વિશ્વાસ મનમાં દ્રઢ કરી લેવો જોઇએ. પરંતુ સમાજમાં શું દેખાય છે ? આપણે પરમેશ્વરને જ આપણી ઘોડી (લંગડા વ્યક્તિને મદદગાર લાઠી) બનાવવા માંગીએ છીએ. પરમેશ્વર કઈં પાંગળો નથી એ તો સાક્ષાત અપંગત્વનો નાશ કરનાર છે તે જાણવાની આપણને જરૂર છે. સત્ય અને પ્રેમ વગર કરેલા દરેક કર્મકાંડ, વિધી કે ભક્તિ એક નાટક જેવું તકલાદી પાંગળાપણું જ છે. તેનો ઉપયોગ આપણને વધુ ને વધુ અપંગ બનાવવામાં જ થાય છે. જ્યારે સત્ય અને પ્રેમનાં માર્ગને અનુસરીને કરેલી ભક્તિ આપણને સંપૂર્ણ સ્વાવલંબી અને તેથી જ યશસ્વી બનાવે છે.
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ |
યત્કૃપા તં અહં વંદે પરમાનંદમાધવમ્ |
યત્કૃપા તં અહં વંદે પરમાનંદમાધવમ્ |
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો